Thursday, June 09, 2011

Gujarati Gaurav

માતૃભૂમિ પર પ્રેમભાવના જાગે,
રોમ રોમમાં એ જ ભાવના જાગે.
ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…
ગાંધીની અહિંસા જેના કણકણમાં,
નરસૈંયાનો કેદારો રજકણમાં;
સરદાર સમી ખુમારી હર નરમાં,
પહોંચી ચંદા પર નારી પલભરમાં…
હૈયામાં જેના મેઘાણી, ઉદ્યમથી ઉજળા અંબાણી,
નર્મદની ગૂંજે સૂરવાણી, વિક્રમની વિજ્ઞાની વાણી…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…
હું વિશ્વપ્રવાસી ગરવો ગુજરાતી,
હું પ્રેમીલો ને સાચો ગુજરાતી;
હું દૂર વતનથી તોયે વતનની પ્યાસ,
ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ…
મીઠું બોલી જગ જીતનારો, જેને રાસ ને રમઝટ શણગારો,
મહેમાનો માટે મરનારો, ગુજરાતીના આ સંસ્કારો…
ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…
*
ઑગષ્ટ 10મી એડિસન, ન્યુ જર્સી ખાતે થયેલી ઈંડિયા-ડે પરેડમાં આયના ટીમે ‘ચાલો ગુજરાત’ નો ફ્લોટ રાખ્યો હતો અને આખી ટીમે આ પરેડમાં નાચી-કુદીને-ગરબા ગાઈને ખૂબ જ મસ્તી અને મજા કરી હતી… ત્યારે ખાસ આ પરેડમાં વગાડવા માટે પાર્થિવે અમને આ ગીત ઉતાવળમાં જ તૈયાર કરી આપ્યું હતું… એટલે આનાથી પણ વધુ સારી ગુણવત્તાવાળું આ જ ગીત તેઓ મને ફરી મોકલશે એવું એમણે મને વચન આપ્યું છે. એટલે કે થોડા દિવસમાં આપણે ફરી આ ગીતને એક નવા જ રૂપમાં ફરી માણીશું… ખેર, ત્યાં સુધી તો આપણે આ જ ગીતને માણીએ.
‘ચાલો ગુજરાત’નાં અવસર માટે ખાસ આ ગીતને શક્ય બનાવનાર બધા કલાકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર… અને હાર્દિક અભિનંદન !!
‘યાહોમ ગુજરાતી’ નામનું બીજું એક ગીત પણ આવે છે, જેનું સ્વરાંકન પરાગ શાસ્ત્રીએ કર્યુ છે… તે પણ આયનાએ ખાસ ‘ચાલો ગુજરાત’ માટે જ કરાવ્યું છે અને થોડા દિવસોમાં મને જેવું મળશે કે તરત જ હું તમને એ ગીત જરૂરથી સંભળાવીશ…!

Friday, June 03, 2011